Wednesday, July 15, 2015

'અફવાદેવી, ભલું કરો!'

હળવે હૈયે // ડૉ. અશ્વિનકુમાર

.................................................................................................................................

કેટલાક વખતથી, અમદાવાદ શહેર અને તેની આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં ચોર, લુટારુ, અને આતંકવાદીઓ ઘૂસી આવ્યા હોવાની અફવાઓ ચાલી કે દોડી નહીં, પણ ઊડી રહી છે. આમાં એ અફવા પણ ભળી છે કે, ગુંડા'ભાઈ'ઓ ઘરફોડ ચોરી કરવા, લૂંટફાટ કરવા, બાળકોનાં અપહરણ કરવા, સ્ત્રીઓની લાજ લૂંટવા, અને પુરુષોને રહેંસી નાખવા આવવાના છે. આ અફવાની ખરાઈ કર્યા વિના તેને મોબાઈલ ફોનથી લ.સં.સે.(લઘુ સંદેશ સેવા ઉરફે એસએમએસ) અને વોટ્સએપ્પ જેવાં સામાજિક માધ્યમોથી આગળ ધપાવવાની સ્વૈચ્છિક પ્રવૃત્તિ વેગીલી બની. પરિણામ સ્વરૂપે, દહેગામ તાલુકાના હરસોલી ગામમાં, માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિને, 'પાગલ' ટોળાંએ મંદિરસ્થંભ સાથે બાંધીને 'ચોરમાર' માર્યો. આ ઘટનાની તસવીરો તરતી થઈ ત્યારે ખબર પડી કે, કેન્દ્ર સરકારના 'ડિજિટલ ઇંડિયા' અભિયાનનો લોકઅમલ શરૂ થઈ ચૂક્યો છે!

નિંદા, કૂથલી, ચકચાર, ગપાટાની ફોઈની વચલી દીકરી એટલે અફવા. અફવા શબ્દ 'સ્ત્રીલિંગ' છે, પણ તે ભલભલા ભાયડાના બરડા ખોખરા કરાવી શકે છે. અફવા જીભથી ફેલાય છે. જેના કારણે કોઈકના દાંત દૂધિયા ન હોય તોપણ પડી જાય છે. અફવાને હાથ-પગ નથી હોતા, પણ તે કોઈના પણ હાથ-પગને ભાંગી શકવાની ક્ષમતા ધરાવે છે. અફવા એ ચોખાનો દાણો છે. એ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ બફાતો રહે છે. છેવટે એ ચોખાના દાણામાંથી ભાત, પુલાવ, બિરંજ, કે બિરયાની જ બને એવું જરૂરી નથી. અફવા એવી ઘટના છે કે જેમાં પહેલાં આપણી સમજ અને પછી આપણો સમાજ પાછો પડે છે. "રાષ્ટ્રને આગળ લાવવું હોય તો પ્રજાએ અફવારૂપી સંદેશાને આગળ મોકલવો નહીં." એવું સ્વામી વિવેકાનંદ કહે તો જ આપણે સ્વીકારવાનું?!

પૂર વિશેની અફવા પણ આગની જેમ જ ફેલાતી હોય છે. અફવા વિશે 'આગ'વી ચિંતા કરતાં બગોદરાના ચિંતક-સહાયક નામ ન આપવાની શરતે કહે છે કે, "અફવા એ હરતો-ફરતો ખતરનાક વા છે. સચ્ચાઈ લાવવામાં આવે છે, જ્યારે અફવા ફેલાવવામાં આવે છે. આપણા દેશમાં હકીકત અફવા બને છે, એટલે અફવા હકીકત બને છે. સાચું પૂછો તો બિચારી પ્રજા અફવા સિવાય બીજું કશું ફેલાવી શકતી નથી. લોકશાહીમાં નેતાઓ નાગરિકોને 'અફવા' ગણીને હસી ન નાખે એ જરૂરી છે." અખબારી ભાષા મુજબ, 'અફવાથી લોકોના જીવ તાળવે ચોંટી જાય છે.' અને 'અફવાથી નાગરિકોના જીવ પડીકે બંધાય છે.' 'અફવા : એક સમીક્ષાત્મક અભ્યાસ', 'શહેરી અફવા અને ગ્રામીણ અફવા : એક તુલનાત્મક અધ્યયન', 'વીજાણુ અફવાઓની નિરક્ષર ગ્રામજનો ઉપર થતી અસરો (દસક્રોઈ તાલુકાના વિશેષ સંદર્ભે)' જેવા સંશોધન-નિબંધો વિદ્યાર્થીઓને પારંગત કક્ષાએ કરાવી શકાય.

કાનથી ફેલાતી અફવા હવે આંખથી પણ ફેલાય છે. એક જમાનામાં અફવા ચકરડું ઘુમાવવાથી એટલે કે ડાયલ કરવાથી ફેલાતી, હવે સ્પર્શપટલથી એટલે કે ટચ સ્ક્રીનથી ફેલાય છે. એ જમાનામાં લોકો આંગળી ચીંધ્યાનું પુણ્ય કરતાં હતાં. આજે આંગળી દબાવ્યાનું પાપ કરે છે. જૂના જમાનામાં, લેન્ડ લાઇન ફોનથી અફવા ફેલાવવામાં જે મજા આવતી તે મોબાઇલ ફોનમાં નથી આવતી. કોમી તોફાનો વખતે 'ભોટફોન'માં રોંગ નંબર લાગે તોપણ મૌખિક માહિતીની આપલે નિમિત્તે અફવાનું આદાન-પ્રદાન થતું. જ્યારે 'સ્માર્ટફોન'માં આવી પૂગેલા લેખિત સંદેશામાં વ્યક્તિ પોતે કશું ખાસ નવું ઉમેરી શકતી નથી. જેનાથી પ્રજાની 'સર્જનાત્મક' શક્તિ કુંઠિત થઈ જાય છે. 

પહેલાં અફવા મૌખિક હતી હવે લેખિત થઈ ગઈ છે. આજકાલ તો અફવાએ 'વીજાણુ દેહ' ધારણ કર્યો છે. આધુનિક યુગમાં અફવા એસએમએસ બની છે. એક સમયે તો અફવાનું 'પડીકું' આવતું હતું. આજની 'પાઉચ પેઢી'ને આ વાત ક્યાંથી સમજાય? તમને જો બોલતાં આવડતું હોય, સાંભળતાં આવડતું હોય; તમને જો લખતાં આવડતું હોય, નૂતન માધ્યમો વાપરતાં આવડતું હોય; તો તમે અફવાને સારી રીતે ફેલાવી શકવા સજ્જ છો! 'ફેસબૂક' કે 'વોટ્સએપ્પ' જેવાં નૂતન સામાજિક માધ્યમોથી અફવા ફેલાતી હોય તો પોલીસતંત્રે 'સાયબર ક્રાઇમ સેલ'માં અફવા માટે અલાયદો 'રુમર રૂમ' ખોલવો અનિવાર્ય છે.

પ્રજા ક્યારેક અફવામાં અતિરેક કરે એના કરતાં સમયાંતરે અફવા ફેલાવતી રહે એ માટે સરકારે 'નૂતન અફવા પ્રોત્સાહક નીતિ' ઘડવાની આવશ્યકતા છે. જેથી કરીને આવાં ભયાનક દહાડા અને રાત જોવાનાં ન આવે. દરેક વર્ષના ચોથા મહિનાનો પહેલો દિવસ 'એપ્રિલ ફૂલ દિવસ' તરીકે ઓળખાય છે. આ રીતે ત્રીસ ફેબ્રુઆરીને 'અફવા દિન' તરીકે ઊજવવો જોઈએ! અફવા જેવી જ ફેંકાફેંક કરતાં કોઈ મહાનેતાનો જન્મદિવસ પણ આ રીતે ઊજવી શકાય. એટલું જ ધ્યાન રાખવાનું છે કે, દેશમાં આ દિવસ સ્થાનિક સ્તરે ઊજવાવો જોઈએ. આ રીતે 'અફવા દિવસ'ની ઉજવણી ગામ, તાલુકા, અને જિલ્લા સ્તરે પણ કરી શકાય. શ્રેષ્ઠ અફવા ફેલાવનાર ત્રણ વિજેતાઓને અનુક્રમે પાંચસો એક, બસો એક, એકસો એક રૂપિયાની રિચાર્જ કૂપન આપવી જોઈએ. જેથી તેમના મોબાઇલ ફોનમાં 'બેલેન્સ' જળવાઈ રહે. આ ત્રણે વિજેતાઓને 'ફેસબૂક' કે 'વોટ્સએપ્પ'થી જ સંક્ષિપ્ત પ્રમાણપત્ર મોકલી દેવા જોઈએ.

પ્રજાને એકવાર અફવા કોઠે પડી જાય તો લોકો અફવાને ગંભીરતાથી લેશે નહીં. જેના પરિણામે જાણહાનિ અને જાનહાનિ અટકી જશે. વળી, અફવા-સ્પર્ધાથી પ્રજાની સર્જનશક્તિ ખીલશે, માનવજીવનને અફવાનાં નવાં નવાં સ્વરૂપોની જાણકારી મળશે. 'રહસ્ય'ની જગ્યાએ 'હાસ્ય'નું સામ્રાજ્ય સર્વત્ર ફેલાશે. સમગ્ર સમાજ 'રુમર'માંથી 'હ્યુમર' તરફ જશે. વહીવટી તંત્ર અને સલામતી તંત્રને પણ ભવિષ્યમાં અફવાઓનો અંદાજ બાંધવામાં અનુફૂળતા રહેશે. વધારામાં, 'શહેરી વિકાસ સત્તામંડળ'ના ઉપક્રમે નવોદિત કવિઓ દ્વારા 'અદ્વિતીય અફવા કાવ્ય સંમેલન'નું પણ આયોજન થવું જોઈએ. આ કાર્યક્રમ 'સાબરમતી રિવરફ્રન્ટ'માં યોજવો જોઈએ. જોકે, કેટલાક લોકો 'સાબરમતી'ને 'સાબરમટી' કહે છે, જે અફવા નથી પણ વાસ્તવિકતા છે. વળી, વિકાસવિવેચકોના મતે 'સાબરમતી રિવરફ્રન્ટ'માં નદી પાતળી અને કિનારા પહોળા હોય એના કરતાં મોટી અફવા બીજી કઈ હોઈ શકે?!

અફવાના મામલે વ્યક્તિ કરતાં વેતાળ વધારે પુખ્ત સમજ ધરાવે છે. પૂર્વજન્મમાં સાંભળવાની રહી ગયેલી વાર્તા મુજબ, એક ભૂતે બીજા ભૂતને કહ્યું કે, "આજ સવારથી મને એવો ભાસ થાય છે કે, મેં કોઈ માણસને જોયો હોય." આટલું સાંભળતાં જ ભૂત ક્રમાંક બેએ ભૂત ક્રમાંક એકને કહ્યું કે, "આ તારા મનનો વહેમ છે. બાકી, દુનિયામાં માણસ જેવું કશું હોતું નથી." એ તો માનવજાતનાં નસીબ પાંસરાં કે, એ જમાનામાં વાતચીત કરવા માટેનાં વીજાણુ માધ્યમો નહોતાં. નહિતર આ આખી અ'ભૂત'પૂર્વ વાત'ચેટ' અક્ષરાંકિત થઈને લ.સં.સે. કે અન્ય સ્વરૂપે મોબાઇલ નેટવર્ક કે સોશિયલ મીડિયા વાટે ફેલાઈ જાત. જો આ 'સંદેશો' સ્વયં 'અંદેશો' બનીને, એક ભૂતથી અન્ય ભૂત અને એ રીતે અસંખ્ય ભૂત સુધી સમગ્ર મૃત્યુલોકમાં પહોંચી ગયો હોત તો, માનવજાતિ વિશે કેવી ગેરસમજ થઈ હોત? જેના કારણે વર્તમાનકાળનું કોઈ ભૂત ભવિષ્યમાં માણસ તરીકે જન્મવાનું જ પસંદ ન કરત!

.................................................................................................................................
ashwinkumar.phd@gmail.com

.................................................................................................................................
સૌજન્ય : 
'અફવાદેવી, ભલું કરો!'
'હળવે હૈયે',
'દિવ્ય ભાસ્કર', ૧૫-૦૭-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬

No comments:

Post a Comment